Thursday, January 30, 2014

કમ્પ્યૂટર સ્ક્રીનનું રિઝોલ્યુશન સેટ કરો



Jan 18, 2014 01:20
કમ્પ્યુટર નોલેજ
બાળમિત્રો! આજ સુધી આપણે કમ્પ્યૂટર નોલેજની આ કોલમમાં કમ્પ્યૂટર અંગેની તકનીકથી માંડી કેટલીય માહિતી મેળવી છે. આજે અમે અહીં તમારા માટે એવી જ એક માહિતી લઈને આવ્યા છીએ જેમાં તમે તમારા કમ્પ્યૂટરની સ્ક્રીનનું રિઝોલ્યુશન સેટ કરી શકો છો. હવે તમે વિચારતા હશો કે સ્ક્રીન રિઝોલ્યુશન શું છે અને એ કેવી રીતે સેટ કરી શકાય? તો બાળકો, સ્ક્રીન રિઝોલ્યુશન એટલે પિક્સલ આધારિત જે ચિત્ર હોય છે તેની સાઇઝમાં વધારો કે ઘટાડો કરી શકાય. સામાન્ય રીતે દરેક કમ્પ્યૂટરમાં ૧૦૨૪-૭૬૮ પિક્સલની સાઇઝનું રિઝોલ્યુશન હોય છે, પરંતુ હવે નવા વાઇડ સ્ક્રીન અને અન્ય એલસીડી મોનિટરમાં તેનાથી વધારે સાઇઝનાં રિઝોલ્યુશન પણ જોવા મળે છે. જો કમ્પ્યૂટરની સ્ક્રીન મોટી હોય અને તેનું રિઝોલ્યુશન વધારવું હોય તો નીચે પ્રમાણેની સરળ રીત અજમાવીને સ્ક્રીન મોટી કે નાની કરી શકાય છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન વધારવા અથવા ઘટાડવા માટે
* ડેસ્કટોપની ખાલી જગ્યા પર રાઇટ ક્લિક કરી Properties પર ક્લિક કરો.
* ઓપન થયેલી Display Properties માં સૌથી છેલ્લી Settings ટેબ પર ક્લિક કરો.
* આટલું કરવાથી નીચે ScreenResolution નામનો ઓપ્શન જોવા મળશે. જેમાં Less More વચ્ચેના એરોને ખસેડવાથી રિઝોલ્યુશન વધ-ઘટ થશે. સાઇઝમાં કેટલો વધારો થયો છે તેની સાઇઝ એમાં આપેલી ડિસ્પ્લે વિન્ડો ઉપર દેખાશે.
* સાઇઝ સિલેક્ટ કર્યા બાદ Apply પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી ર્ંા પ્રેસ કરી દઈએ એટલે તમે નક્કી કરેલી સાઇઝ સેટ થઈ જશે.
જો તમારા કમ્પ્યૂટરની સ્ક્રીન બહુ નાની દેખાતી હોય તો આ સરળ રીત અજમાવીને તમે જાતે જ તમારા કમ્પ્યૂટરની સ્ક્રીન અને પિક્ચરનું રિઝોલ્યુશન સેટ કરી શકો છો.

Wednesday, January 8, 2014

યુટ્યૂબના વીડિયોની મજા - બફરિંગ વિના

યુટ્યૂબ પર વીડિયો જોવાનો તમારો અનુભવ કેવો રહે છે? મોટા ભાગે જવાબમાં જબરજસ્ત વિરોધાભાસ હશે - સખ્ખત મજા પડે છે અને એટલો જ કંટાળો આવે છે! આવું કેમ?

એટલા માટે કે યુટ્યૂબ પર આખી દુનિયાના પાર વગરના વીડિયોઝ મળી રહે છે, તમે શોધી શોધીને અને જોઈ જોઈને થાકો તોય ક્યારેય ખૂટે નહીં, પણ ખાટલે મોટી ખોડ એ છે કે આપણું ઇન્ટરનેટ કનેક્શન હવે બ્રોડબેન્ડ સુધી પહોંચ્યું હોવા છતાં એટલું ધીમું રહે છે કે કોઈ પણ વીડિયો ઓપન કરીને તરત જોવાનું લગભગ શક્ય ન બને. વીડિયો થોડું ચાલે, અટકે, બફરિંગ થાય, વળી થોડું જોવા મળે, વળી અટકે, વળી બફરિંગ થાય... પરિણામે કાં તો આપણે વીડિયો જોવાનું માંડી વાળીએ અથવા એક વિન્ડોમાં આખા વીડિયોનું બફરિંગ ચાલુ રાખી બીજું કામ પતાવીએ અને પછી - વીડિયો જોવાનો રોમાંચ ઓસરી ગયો હોય ત્યારે - ફરી એ વીડિયો જોવા તરફ વળીએ.
યુટ્યૂબ પર હવે તો હાઇડેફિનિશન વીડિયો પણ જોઈ શકાય છે અને આખે આખી હિન્દી (કે ગુજરાતી અને અન્ય કેટલીય ભાષામાં - http://www.youtube.com/movies/indian-cinema) ફિલ્મ પણ જોઈ શકાય છે. વિદેશમાં રહેતા સ્વજનોના મોંએ તમે સાંભળ્યું પણ હશે કે તેઓ નવી-જૂની હિન્દી ફિલ્મો નેટ પર જ જોઈ લે છે. ફિલ્મ ઉપરાંત યુટ્યૂબ પર અનેકવિધ વિષયના વીડિયોઝ ઉપલબ્ધ છે. યુટ્યૂબના વીડિયો ફિલ્ટર કરી, વિવિધ કેટેગરીમાં વહેંચીને આપણી સમક્ષ મૂકતી વેબસાઇટ્સ પણ સંખ્યાબંધ છે.
પણ, આ બધાનો પૂરતો લાભ લેવામાં સૌથી મોટો અવરોધ રહે છે ઇન્ટરનેટની ધીમી સ્પીડનો. ત્રણેક વર્ષ પહેલાં યુટ્યૂબે તેની સર્વિસીઝ વિશે એક સર્વેક્ષણ કર્યું ત્યારે આ વાત બહુ સ્પષ્ટ રીતે બહાર આવી. મજાની વાત એ હતી કે એક તરફ કમાણી કે પ્રસારના આશયથી યુટ્યૂબ પર પોતાના વીડિયોઝ અપલોડ કરતા લોકો, પોતાના વીડિયો વધુ ને વધુ લોકો સુધી પહોંચે, વધુ ને વધુ લોકો તેના વિશે વાત કરે, તેને શેર કરે, વગેરે વગેરે શક્ય બને એવી સુવિધાઓ યુટ્યૂબમાં સતત ઉમેરાતી રહે તેવું ઇચ્છતા હતા અને બીજી તરફ આપણા જેવા લોકોને, સરેરાશ યુઝર્સને સ્વાભાવિક રીતે, યુટ્યૂબ પર સૌથી વધુ રસ એક જ વાતમાં હોય છે - વીડિયો જોવામાં અને એ પણ સહેલાઇથી.
યુટ્યૂબે આ બંને વર્ગ રાજી રહે એવો પ્રયાસ કર્યો. ગૂગલ તેની વિવિધ સર્વિસીઝ પહેલાં બીટા સ્વરૂપે રજૂ કરે છે અને તેમાં અવનવી સુવિધાઓ પહેલાં લેબમાં રજૂ કરે છે. જેમ જીમેઇલમાં નવાં ફીચર્સ પહેલાં લેબમાં મૂકાય છે એમ યુટ્યૂબ માટે ટેસ્ટટ્યૂબ (http://www.youtube.com/testtube) નામે એક વિભાગ છે. અહીં ક્યારેક નજર નાખશો તો યુટ્યૂબમાં તમે ઇચ્છતા હશો એવી સુવિધા ટ્રાય કરવા મળી જશે.
આવી જ એક સુવિધા એટલે યુટ્યૂબ ફીધર. યુટ્યૂબે બિલકુલ ધીમું ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરી છે. તેમાં વીડિયો ઉપરાંત જોવા મળતી બીજી સંખ્યાબંધ બાબતો (જેમ કે વીડિયોની ક્રેડિટ્સ, કીવર્ડ્ઝ, રીસ્પોન્સ, અન્ય સંબંધિત વીડિયોઝ, શેરિંગ કે લાઇક્સ માટેનાં બટન વગેરે, ટૂંકમાં એ બધું જ જે વીડિયો જોવાના અનુભવને વધુ ને વધુ ધીમો બનાવે છે, તેને) મર્યાદિત કરી દેવામાં આવે છે. પરિણામે આપણે મનગમતો વીડિયો વધુ ઝડપથી જોઈ શકીએ છીએ! જે લોકો પોતાના વીડિયો થકી કમાણી કરે છે (અને યુટ્યૂબને પણ કમાણી કરાવે છે) એમને નુક્સાન ન થાય એની કાળજી પણ યુટ્યૂબે રાખી છે.
તો, હિન્દી ન્યૂઝ ચેનલ્સની ભાષામાં કહી તો, કુલ મિલાકે સ્થિતિ ઐસી હૈ કિ, આપણને ફક્ત વીડિયો ફટાફટ જોવામાં જ રસ હોય તો, પ્રમાણમાં સારી સ્પીડવાળું ઇન્ટરનેટ કનેક્શન હોય તો પણ આ સુવિધાનો લાભ લેવા જેવો છે.
એ માટે ફક્ત આટલું જ કરવાનું છે - http://www.youtube.com/feather_beta પર જાઓ અને Join the "Feather" Beta લિંક પર ક્લિક કરી દો. યુટ્યૂબ ચોખવટ કરે છે કે આ સુવિધા હજી બીટા ફેઝમાં છે અને બધા જ વીડિયો માટે એ ચાલુ ન પણ હોય. તમે ફીધર મોડમાં વીડિયો જોતા હશો ત્યારે જમણી તરફ એક બોક્સ જોવા મળશે, જેમાં આપેલા વિકલ્પની મદદથી, તમે ફરી રેગ્યુલર વીડિયો મોડમાં જઈ શકો છો. ફીધર મોડમાં બધા જ વીડિયો સ્ટાન્ડર્ડ ક્વોલિટી (એટલે કે સૌથી પ્રાથમિક સ્તરની ગુણવત્તા)માં જોઈ શકાય છે.