Sunday, July 27, 2014

સાયબરજગતમાં ફેરફારોની મોસમ


 શરૂઆત ગૂગલિંગથી! ગૂગલે તેના સર્ચ એન્જિનના ઇન્ટરફેસમાં ફેરફારો કર્યા. અગાઉ વેબઇમેજવીડિયો વગેરે સર્ચ કરવાના બધા વિકલ્પો સ્ક્રીનની ડાબી તરફ સૌની નજર સમક્ષ રાખ્યા હતાતેને બદલે હવે ઉપર તેનાં ટેબ્સ બનાવીને વિકલ્પો તેની અંદર મૂકી દીધા છે. તમે કોઈ ઇમેજ સર્ચ કરતા હો તો તેની ચોક્કસ સાઇઝરંગપ્રકાર (ફોટોગ્રાફક્લિપઆર્ટલાઇનડ્રોઇંગ) વગેરે વિકલ્પોને વધુ અંદર ધકેલી દેવામાં આવ્યા છે! અને હાહવે તમે ગૂગલમાં માત્ર ચહેરા પણ શોધી શકો છો.
  • સર્ચ પેજની જેમ જીમેઇલમાં પણ ઇન્ટરફેસમાં ફેરફાર થયા છે. નવો મેઇલ કમ્પોઝ કરવાનું હવે નવું બોક્સ ખૂલે છેજેથી ઇનબોક્સનો સંદર્ભ આપણી નજર સમક્ષ રહે. પણમેઇલ ટેક્સ્ટના ફોર્મેટિંગના ઓપ્શન્સ - જે પહેલાં ટેક્સ્ટ બોક્સની ઉપર હતા તે - હવે નીચેઅલગ અલગ ટેબમાં મૂકી દેવામાં આવ્યા છે. આ ફેરફારોથી પહેરી નજરે સ્ક્રીન ચોખ્ખોચણાક લાગેપણ જે તે વિકલ્પ સુધી પહોંચવા આપણે એક-બે વાર વધુ ક્લિક કરવી પડે.
  • ગુજરાતી કે હિન્દીમાં જીમેઇલ લખવાના ઓપ્શનનું બટન સેટિંગ્સની અંદર હતું તેને બહાર લાવીને સેટિંગ્સની બાજુમાં મૂકી દેવાયું છે.
  • હોટમેઇલના નવા અવતાર આઉટલૂકમાં મેઇલ એટેચમેન્ટની સાઇઝ એકદમ વધારી દેવામાં આવી છેએ જ રીતે (કે એ જ કારણે!) હવે જીમેઇલમાંથી આપણે 10 જીબી સુધીનાં એટેચમેન્ટ મેઇલ કરી શકાય છે. અગાઉની લિમિટ આ રીતે એક ઝાટકે 400 ગણી વધારી દેવાઈ છેપણ એમાં જીમેઇલે ખાસ કોઈ કરામત કરી નથી,ગૂગલ ડ્રાઇવને આ માટે કામમાં લેવામાં આવી છે.
  • ધડાધડ નવાં વર્ઝન લાવી રહેલા ફાયરફોક્સનું હજી હમણાં 16મું વર્ઝન આવ્યાની ચર્ચા હતી ત્યાં 17મું વર્ઝન પણ આવી ગયું છે! ગૂગલ ક્રોમની તીવ્ર હરિફાઇની અસર હોય કે સોશિયલ મીડિયાની લોકપ્રિયતાનો લાભ લેવાની ગણતરી હોય કે બંને કારણ હોયહવે ફાયરફોક્સમાં પણ ફેસબુકને સાંકળી લેવામાં આવેલ છે (અગાઉ આપણે આ જ ખાસિયત ધરાવતા રોકમેલ્ટ બ્રાઉઝર (www.rockmelt.com/)ની વાત કરી હતીયાદ છેને?).ફાયરફોક્સમાં ફેસબુકનો પૂરો લાભ લેવા માટે ફાયરફોક્સનું લેટેસ્ટ વર્ઝન મેળવોફેસબુક પર લોગ-ઇન થઈ (www.facebook.com/about/messenger-for-firefox) પેજ પર જાઓ અને ત્યાં ટર્ન ઓન બટન ક્લિક કરો. હવે ફેસબુકની મેસેન્જર ફોર ફાયરફોક્સ સર્વિસ ઓન થઈ જશે અને તમારા ફાયરફોક્સ બ્રાઉઝરની અંદર જ,જમણી તરફ ફેસબુકનાં સ્ટેટસમેસેન્જર વગેરે જોવા મળશે!
  • કમ્પ્યુટરની સાફસફાઈ માટે ખાસ ઉપયોગી સીક્લિનર (www.piriform.com/ આપણે અગાઉ આ ફ્રી સોફ્ટવેરની વિગતવાર વાત કરી છે)નું પણ નવું વર્ઝન આવ્યું છે. તેમાં હવે ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમ બંનેનાં એડ-ઓન્સએપ્સ કે પ્લગ-ઇનને મેનેજ કરવાની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.
  • તમે પીસી કે લેપટોપનો ઉપયોગ ડીવીડી પ્લેયર અને ઓડિયો પ્લેયર તરીકે પણ કરતા હો તો એક અફલાતૂનફ્રી સોફ્ટવેર વીએલસી મીડિયા પ્લેયર તમારા ધ્યાન બહાર નહીં જ હોય. વીએલસી સંખ્યાબંધ ફોર્મેટ્સની ફાઇલ પ્લે કરી શકે છે. આ એક ઝડપથી અપટેડ થતું રહેતું પ્લેયર છેતેમાં હવે તમે યુટ્યૂબના વીડિયોની લિંક આપીને તેને પણ તમારા ડેસ્કટોપ પર પ્લે કરી શકો છો. વધુ માહિતી મેળવો અહીં :http://www.videolan.org/
તો હવે તમે જ કહોઆ બધી વેબસર્વિસ/સોફ્ટવેરમાં આવેલા ફેરફારને ધ્યાને લેતાં તમે સૌથી પહેલાં કોને નવેસરથી અજમાવવી જોશો?

Sunday, July 20, 2014

સ્ટાર્ટ બટનની સફર

સ્ટાર્ટ બટનની સફર

ઓફિસ કામે કે વેકેશનમાં થોડા દિવસ માટે બહારગામ જવાનું થાય ત્યારે શરૂઆતમાં તો પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, પીઝા વગેરે વગેરે જમવાની મજા આવે, પણ પછી ઘરનાં દાળ, શાક ને રોટલી યાદ આવવા લાગે અને ખરેખર ઘરે પહોંચીએ ત્યારે તો ખીચડી જ ખાવાનું મન થાય! એમ આપણી આ સફરમાં ભલે દર અઠવાડિયે આપણે જાત-ભાતની વેબસાઇટ્સ કે સર્વિસીઝ ખૂંદીએ પણ થોડા થોડા વખતે સાવ પાયાની વાત કરીએ તો - વાચકમિત્રોના પ્રતિભાવો પરથી લાગે છે કે - એમાંય સૌને મજા પડે છે!
તો આજે ફરી બિલકુલ પાયાની, એકડે એક જેવી લાગે એવી વાત કરીએ, પણ ખુલ્લા દિલે વાંચશો તો ભલે તમે કમ્પ્યુટરના ખાં હો, તમનેય કદાચ કંઈક નવું જાણવા મળી જાય. 
આપણા કમ્પ્યુટરનો દરવાજો છે સ્ક્રીન પર નીચે ડાબા ખૂણે રહેલું સ્ટાર્ટ બટન. દરરોજ આપણે આ સ્ટાર્ટ બટન પ્રેસ કરીને કમ્પ્યુટરમાં ખાબકીએ છીએ, પણ એટલા ઝડપભેર આગળ વધી જઈએ છીએ કે સ્ટાર્ટ બટનથી શું શું થાય છે એનો પૂરતો પરિચય કેળવતા નથી.
વિન્ડોઝ 8માં આ સ્ટાર્ટ બટન જ ગૂમ કરી દેવામાં આવ્યું તો લોકોને ભારે અકળામણ થઈ પડી હતી એ જ બતાવે છે કે સ્ટાર્ટ બટનની આપણને સૌને કેવી આદત પડી ગઈ છે. જોકે હજી મોટા ભાગના લોકો વિન્ડોઝ 7નો ઉપયોગ કરતા હોવાથી આપણે એના સ્ટાર્ટ બટનની જ વાત કરીએ.
સ્ટાર્ટ બટન પર ક્લિક કરતાં, સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલું સ્ટાર્ટ મેનુ ખૂલે છે. ડાબી તરફના સફેદ વિસ્તારમાં, આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા અને આપણે જેનો વારંવાર ઉપયોગ કરતા હોઈએ તે પ્રોગ્રામ જોવા મળે છે. જો પ્રોગ્રામના નામની જમણી બાજુએ બ્લેક એરો જોવા મળે, તો એનો મતલબ એ કે એ પ્રોગ્રામમાં આપણે છેલ્લે છેલ્લે ઓપન કરેલા ડોક્યુમેન્ટ્સ છે. જેમ કે વર્ડ સામેના બ્લેક એરો પર ક્લિક કરતાં, વર્ડમાંનાં આપણાં રીસન્ટ ડોક્યુમેન્ટ્સ જોવા મળશે અને તેના પર ક્લિક કરી આપણે એ ડોક્યુમેન્ટ સહેલાઈથી ઓપન કરી શકીશું.
હવે જો તમે વારંવાર કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતા હો અને એ ડોક્યુમેન્ટ હંમેશા આ શોર્ટકટ મેનુમાં જોવા મળે એવું ઇચ્છતા હો તો એ ડોક્યુમેન્ટના ફાઇલ નેમ પર માઉસ લઈ જતાં, તેના જમણા છેડે એક પિન જોવા મળશે. તેના પર ક્લિક કરતાં, એ ડોક્યુમેન્ટ શોર્ટકટ મેનુમાં ચોંટી જશે.
એ જ રીતે, જો તમે કોઈ ચોક્કસ પ્રોગ્રામ સ્ટાર્ટ મેનુમાં હંમેશા જોવા મળે એવું ઇચ્છતા હો તો તેને પણ પિન કરી શકો છો. તમે જોશો તેમ સ્ટાર્ટ મેનુના પ્રોગ્રામવાળા ભાગમાં વચ્ચે એક આછી લાઇન જોવા મળે છે. તેની ઉપર રહેલા પ્રોગ્રામ્સ હંમેશા સ્ટાર્ટ મેનુમાં જોવા મળે છે, જ્યારે લાઇન નીચેના પ્રોગ્રામ્સ, જે પ્રોગ્રામ્સનો ઉપયોગ વધારે કે ઓછો હોય તે મુજબ બદલાયા કરે છે. પ્રોગ્રામને પિન કરવા માટે તેના પર રાઇટ ક્લિક કરતાં, ‘પિન ટુ સ્ટાર્ટમેનુ’નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરતાં એ પ્રોગ્રામનો શોર્ટકટ પેલી આછી લાઇનની ઉપર પહોંચી જશે. હંમેશા ઉપયોગી પ્રોગ્રામ્સ આ રીતે પિન કરી દેશો તો કામ ઘણું સહેલું બનશે. પ્રોગ્રામ પર રાઇટ ક્લિક કરતાં, ‘પિન ટુ ટાસ્કબાર’નો વિકલ્પ પણ મળે છે, તેના પર ક્લિક કરતાં, એ પ્રોગ્રામનો શોર્ટકટ સ્ટાર્ટમેનુમાંથી નીકળીને સ્ટાર્ટ બટનની જમણી તરફના ટાસ્કબારમાં કાયમ માટે ગોઠવાઈ જશે. અહીંથી તેને દૂર કરવો હોય તો ફરી રાઇટ ક્લિક કરતાં, ‘અનપિન ધીસ પ્રોગ્રામ ફોર ટાસ્કબાર’ એવો વિકલ્પ મળશે.
ઓકે, સ્ટાર્ટમેનુમાં પહેલી નજરે જોવા ન મળે, પણ આપણે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા બીજા પ્રોગ્રામ્સ સુધી પહોંચવા માટે ‘ઓલ પ્રોગ્રામ્સ’ પર ક્લિક કરવાનું હોય છે એ તો તમે જાણો જ છો. આ રીતે ક્લિક કરતાં સ્ટાર્ટમેનુમાં તમામ પ્રોગ્રામ્સ જોવા મળે છે, જે જે તે કંપની (જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ કે એડોબ) કે પ્રોગ્રામ્સના પ્રકાર (એક્સેસરીઝ, ગેમ્સ, મેઇન્ટેનન્સ વગેરે) મુજબ છૂટા કે ફોલ્ડરમાં ગોઠવાયેલા હોય છે. માઇક્રોસોફ્ટ ઓફિસના ફોલ્ડર પર ક્લિક કરો એટલે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થયેલા ઓફિસના બધા પ્રોગ્રામ જોવા મળે.
ઓલ પ્રોગ્રામ્સની લિંક નીચે સર્ચ બોક્સ આપેલું છે, તેમાં ટાઇપ કરીને તમે કોઈ પણ પ્રોગ્રામ કે ફાઇલ પણ શોધી શકો છો.
મૂળ સ્ટાર્ટમેનુનો ડાબી તરફનો પ્રમાણમાં ડાર્ક વિસ્તાર કમ્પ્યુટરમાંનાં વિવિધ લોકેશન્સ અને શોર્ટકટ્સ બતાવે છે, જેમ કે માય ડોક્યુમેન્ટ્સ, માય પિક્ચર્સ, કંટ્રોલ પેનલ, શટડાઉન વગેરે. શટડાઉન બટનનો તમે હંમેશા લેફ્ટ ક્લિકથી ઉપયોગ કરતા હશો, પણ તેને રાઇટ ક્લિક કરશો તો કમ્પ્યુટરને લોક કરવું, રિસ્ટાર્ટ કરવું કે સ્લીપ મોડમાં લઈ જવાના વિકલ્પ મળશે (જો તમે કમ્પ્યુટરમાં વિવિધ યુઝર્સ માટે અલગ અલગ એકાઉન્ટ બનાવ્યા હોય તો સ્વિચ યુઝર, લોગ ઓફ વગેરે વિકલ્પ પણ કામના થશે).
સ્ટાર્ટમેનુમાં ટોચે એક પિક્ચર જોવા મળે છે, તમે ચાહો તો તેને બદલી શકો છો. એ પિક્ચર પર લેફ્ટ ક્લિક કરતાં, કમ્પ્યુટરના યુઝર એકાઉન્ટને લગતી એક વિન્ડો ઓપન થશે. તેમાં ચેન્જ યોર પિક્ચર પર ક્લિક કરતાં, જે વિવિધ ઇમેજીસ મળે તેમાંથી કોઈ પસંદ કરી શકો છો, અથવા ‘બ્રાઉઝ ફોર મોર પિક્ચર્સ’ પર ક્લિક કરીને કમ્પયુટરમાંની કોઈ પણ ઇમેજ સિલેક્ટ કરી શકો છો. યુઝર એકાઉન્ટ્સ વિશે તમને ખાસ જાણકારી ન હોય તો અહીં આપેલા બીજા વિકલ્પો બદલશો નહીં.
સ્ટાર્ટ બટન પર રાઇટ ક્લિક કરી, પ્રોપર્ટીઝમાં જઈને સ્ટાર્ટમેનુને વિવિધ રીતે કસ્ટમાઇઝ પણ કરી શકાય છે, તપાસી જુઓ!