Monday, December 17, 2012

૨૦૧૨ ઓક્ટોબર સુધીમાં કુલ ૧૪,૦૦૦ વેબસાઇટ્સ હેક કરાઈ


નવીદિલ્હી, તા. ૧૬
સરકારનાં જુદાં જુદાં મંત્રાલયો અને વિભાગોની કુલ ૨૯૪ વેબસાઇટ્સ હેક થઈ હતી
ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં ૧૪,૦૦૦ કરતાં પણ વધુ વેબસાઇટ્સ હેક કરાઈ હતી. ૨૦૦૯ની સરખામણીમાં હેકિંગની ઘટનાઓમાં ૫૭ ટકા વધારો નોંધાયો હતો. ૨૦૦૯માં ૯,૧૮૦, ૨૦૧૦માં કુલ ૧૬,૧૨૬ વેબસાઇટ્સ હેક કરાઇ હતી, જે સંખ્યા ૨૦૧૧માં વધીને ૧૪,૨૩૨ થઈ હતી, જોકે ચાલુ વર્ષે પહેલા દસ મહિનામાં જ કુલ ૧૪,૩૦૦ વેબસાઇટ્સ હેક થઈ ગઈ હતી. કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના અહેવાલમાં આ અંગે માહિતી આપી હતી.
આઈટી મિનિસ્ટર કપિલ સિબ્બલે સંસદમાં જણાવ્યું હતું કે, હેકિંગના હુમલા સામે સંસ્થાઓની તૈયારીનુ પરીક્ષણ કરવા સરકારે વર્ષ ૨૦૦૯ના નવેમ્બર મહિનાથી આ પ્રકારની છ સાઇબર સિક્યુરિટી મોકડ્રિલ યોજી હતી. ૨૦૦૨માં જાન્યુઆરીથી ઓક્ટોબર માસ દરમિયાન સરકારનાં જુદાં જુદાં મંત્રાલયો અને વિભાગોની કુલ ૨૯૪ વેબસાઇટ્સ હેક કરાઈ હતી. સિબ્બલે જણાવ્યું હતું કે, સાઇબર સલામત માટે સ્વાયત સંસ્થા સ્થાપવાનો કોઇ પ્રસ્તાવ નથી. વધુમાં સિબ્બલે જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડા અનુસાર આઈટી એક્ટ અને સાઇબર ક્રાઇમ સંબંધિત આઇપીસીના કાયદા હેઠળ ૨૦૦૯માં ૬૯૬, ૨૦૧૦માં ૧,૩૨૨ અને ૨૦૧૧માં ૨,૨૧૩ ગુનાઓ નોંધાયા હતા.
૨૦૧૧માં આઇટી એક્ટ હેઠળ ૧,૧૮૪ અને આઇપીસી હેઠળ ૪૪૬ લોકોની ધરપકડ કરાઇ હતી. ૨૦૧૧માં આઇટી એક્ટ હેઠળ ૧૫૭ કેસ રજિસ્ટર કરાયા હતા જ્યારે ૬૫ વ્યક્તિઓની તે માટે ધરપકડ કરાઈ હતી જ્યારે અશ્લીલ ફોટાના ફેલાવા માટે ૪૯૬ કેસ નોંધાયા હતા અને ૪૪૩ લોકોની ધરપકડ કરાઈ હતી. આઇપીસી હેઠળ ૨૦૧૧માં સૌથી વધારે ૨૫૯ કેસ નોંધાયા હતા અને તેના માટે ૨૭૭ વ્યક્તિઓની ધરપકડ કરાઇ હતી.

No comments:

Post a Comment