સોશિયલ નેટવર્કિગ વેબસાઇટ ફેસબુકે હવે તેનાં સૌથી લોકપ્રિય ફીચર 'ન્યૂઝ ફીડ'ની ડિઝાઇન બદલી નાખી છે, તેને મોબાઇલ ફ્રેન્ડલી બનાવતાં ફોટો, મ્યુઝિક અને ગેમ્સને પહેલી પસંદગી આપવામાં આવી છે. નવા અવતારમાં તે એન્ડ્રોઇડ, એપલ જેવા મોબાઇલ ફોન્સ માટે અનુકૂળ સાબિત થશે. રોબિન મોરિસ આ નવા લેઆઉટના ડિઝાઇનર છે. આ નવું ફીચર કંપનીના મોબાઇલ એપ્સથી પ્રેરિત છે.
એટલે એમ કહો કે...
- ન્યૂઝ ફીડ હવે યૂઝર્સની પર્સનલ ન્યૂઝ સાઇટ જેવી બની જશે
- ન્યૂઝ ફીડનું પેજ હવે પહેલાં જેવું બોરિંગ નહિ લાગે, પરંતુ રંગબેરંગી દેખાશે.
- મોટા કદની તસવીરોની સાથે દરેક ઇવેન્ટની અપડેટ તેમાં જોઈ શકાશે.
- ન્યૂઝ ફીડની સામગ્રીમાં તસવીરોનો ભાગ ૫૦ ટકા રહેશે
ન્યૂઝ ફીડનું પેજ હવે પહેલાં જેવું બોરિંગ નહિ લાગે, પરંતુ રંગબેરંગી દેખાશે, જોકે આ સાથે સાથે ફેસબુકના કરોડો યૂઝર્સને થોડીક નિરાશા સાંપડશે, કારણ કે ફેસબુકે કમાણી કરવા માટે જાહેરાતને પ્રાથમિકતા આપતાં તેને વધુ સ્પેસ આપી છે. ન્યૂઝ ફીડના લેફ્ટ બારમાં તસવીરોની સાથે સાથે બીજી અપડેટ પણ જોવા મળશે. આ સિવાય મ્યુઝિક અને ગેમ્સ માટે પણ અલગ અલગ ટેબ બનાવવામાં આવ્યા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે સાન ફ્રાન્સિસ્કોમાં એક પ્રેસકોન્ફરન્સ દરમિયાન ન્યૂઝ ફીડની ડિઝાઇનમાં કરવામાં આવેલા ફેરફારોની જાણકારી આપી હતી. ઝુકરબર્ગના મતે ન્યૂઝ ફીડ હવે યૂઝર્સની પર્સનલ ન્યૂઝ સાઇટ જેવી બની જશે. મોટા કદની તસવીરોની સાથે દરેક ઇવેન્ટની અપડેટ તેમાં જોઈ શકાશે. નવી ડિઝાઇનમાં ન્યૂઝ ફીડને વધુ વ્યૂઝ્યૂઅલ લૂક આપવામાં આવ્યો છે. ન્યૂઝ ફીડની સામગ્રીમાં તસવીરોનો ભાગ ૫૦ ટકા રહેશે, હાલ તેની સાઇઝ ૨૫ ટકા છે.
આવક માટે દબાણ
ફેસબુકની આ પહેલ પાછળનું કારણ ગૂગલ, ટ્વિટર સાથેની હરીફાઈ મનાય છે. કંપની ગયા વર્ષે ૧૭મી મેએ તેનો આઇપીઓ લાવી હતી, ત્યાર પછી તેના પર રેવન્યૂ વધારવાનું ભારે દબાણ હતું. ફેસબુકે ૨૦૧૨માં ન્યૂઝ ફીડમાં એડ બતાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે તે તેના બિઝનેસનો મુખ્ય સ્રોત બની ગયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે, એક અબજથી વધુ લોકો એવાં છે, જેઓ મહિનામાં એકવાર ફેસબુકનો ઉપયોગ કરે છે.
નવી ડિઝાઇનમાં એક ન્યૂઝ ફીડ નહિ હોય, તેની અલગ અલગ કેટેગરી હશે, જેમ કે...
ઓલ ફ્રેન્ડ્સ : આ ફીડમાં ફ્રેન્ડ્સે તેના ફેસબુક પેજ પર સ્ટેટસ મેસેજ, લિંકને શેર કર્યા હોય તેની દરેક અપડેટ મળશે.
ફોટો : તેમાં તમારા મિત્રોની શેર કરેલી તસવીરો અને ફેસબુક પર તમારાં લાઇક કરેલાં પેજ દેખાશે.
મ્યુઝિક : તેમાં મિત્રો અને તમે સાંભળેલાં ગીત, તમારા મનપસંદ કલાકાર વિશેની જાણકારી અને તેમણે ફેસબુક પર શેર કરેલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફોલોઇંગ : તેમાં તમે લાઇક કરેલાં પેજ કે પછી ફેસબુક પર જે સેલિબ્રિટીઝને ફોલો કરતા હોવ તેની લેટેસ્ટ ફીડ મળશે.
ન્યૂઝ ફીડ શું છે?
ફેસબુક એકાઉન્ટના હોમપેજની સેન્ટર કોલમ છે. તમે ફેસબુક પર જેમનાં પેજીસને ફોલો કરો છો તેનું લિસ્ટ આ ફીચર સતત અપડેટ કરતું રહે છે. ન્યૂઝ ફીડ સ્ટોરીઝમાં સ્ટેટસ અપડેટ, ફોટોઝ, વીડિયો, લિંક્સ, એપ્સ એક્ટિવિટીઝ અને લાઇક્સનો સમાવેશ થાય છે.
ક્યારે આવશે?
ફેસબુક હજી કેટલાક યૂઝર્સ પર તેને અજમાવી રહી છે. શુક્રવારથી તે કેટલાંક યુઝર્સ (ટેબ્લેટ અને ફોન વર્ઝનમાં)ના ફેસબુક પેજ પર જોવા મળશે. ત્યાર પછી ધીમે ધીમે અન્ય યુઝર્સને પણ દેખાશે.
આ પણ નવું છે
ફોટો આલબમ એકદમ વચ્ચે દેખાશે
મલ્ટિપલ ફીડના ઓપ્શનથી ન્યૂઝ ફીડ પર યૂઝર કન્ટેન્ટ અને પોસ્ટને યોગ્ય જગ્યા મળશે
૨૦૧૧માં શરૂ કરવામાં આવેલું ટાઇમલાઇન ફીચર અપડેટ કરાશે
ન્યૂઝ ફીડના બધા કેરેક્ટર્સ ઘણા બોલ્ડ અને ફોટોઝની સાથે હશે જેથી સમજવામાં સરળતા રહેશે.
૩૫ ટકા યૂઝર ચેટબાર જોઈ શકતા નથી, ન્યૂઝ ફીડમાં આ સમસ્યા ઉકેલાઈ જશે.
નોટિફિકેશન અને રિક્વેસ્ટ આઇકોન પણ બદલાઈ જશે. નવા ન્યૂઝ ફીડમાં તમને મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ કવર ઇમેજ પર જોવા મળશે.