Tuesday, March 12, 2013

વેબ યૂઝર્સની માહિતી માટે ગૂગલની મદદ લેવામાં ભારત બીજા ક્રમે


નવી દિલ્હી, તા. ૧૧
  • એન્ફોર્સમેન્ટ એજન્સીઝ વેબ સર્ચ એન્જિનનો ઉપયોગ કરી રહી છે
  • ૨૦૧૨માં અમેરિકા ૧૬,૪૦૭ રિક્વેસ્ટ સાથે પહેલા ક્રમે
ઇન્ટરનેટ પર વેબ યૂઝર્સ વિશે ઉપલબ્ધ માહિતીઓ પ્રાપ્ત કરવા માટે લોકપ્રિય સર્ચ એન્જિનની મદદ લેનારી ભારતની એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝ અમેરિકા પછી બીજા ક્રમે આવે છે. ગૂગલ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૨માં ઇન્ટરનેટ યૂઝર્સની વેબ પર ઉપલબ્ધ અંગત માહિતીઓ મેળવવા માટે ભારતીય એન્ફોર્સમેન્ટ એજન્સીઝે ગૂગલ સર્ચને ૪,૭૫૦ રિક્વેસ્ટ(રોજની સરેરાશ ૧૩) મોકલી હતી જ્યારે અમેરિકા ૨૦૧૨માં રોજની સરેરાશ ૪૫ રિક્વેસ્ટ અર્થાત્ વર્ષ દરમિયાન ૧૬,૪૦૭ રિક્વેસ્ટ મોકલીને આ યાદીમાં સૌથી ટોચ પર છે.
રિક્વેસ્ટ્સની સંખ્યા વધી
અમેરિકા અને ભારત પછી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વેબ યૂઝર્સની જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે ગૂગલની મદદ લેનારા ટોચના છ દેશોમાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આ બધા દેશોમાંથી ગૂગલને મોકલવામાં આવતી રિક્વેસ્ટની સંખ્યા સતત વધી રહી છે.
દેશસર્ચ(વેબ યૂઝર્સની માહિતી માટે)
અમેરિકા૧૬,૪૦૭
ભારત૪,૭૫૦
ફ્રાન્સ૩,૨૩૯
જર્મની૩,૦૮૩
બ્રિટન૨,૮૮૩
બ્રાઝિલ૨,૭૭૭

ભારતને બે તૃતિયાંશ યૂઝર્સની જાણકારી મળી
ભારતે ૨૦૧૨ના પહેલા છ મહિનામાં ગૂગલ સર્ચ એન્જિનને ૨,૩૧૯ રિક્વેસ્ટ મોકલી હતી જ્યારે પછીના છ મહિનામાં વધુ ૨,૪૩૧ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. કંપનીના જણાવ્યાનુસાર ગયા વર્ષે ભારતની એન્ફોર્સમેન્ટ એજન્સીઝ તરફથી મળેલી કુલ રિક્વેસ્ટમાંથી બે તૃતિયાંશ લોકોની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે, એ જ રીતે અમેરિકાએ જેટલા વેબ યૂઝર્સ વિશે ગૂગલ પાસે જાણકારી માગી હતી તેમાંથી ૮૮ ટકા વિશે જાણકારી આપવામાં આવી છે.
વિવિધ દેશો મદદ લે છે
અલગ અલગ દેશોની સરકારો, ક્રાઇમબ્રાન્ચીસ, કોર્ટ, પોલીસ ગુનેગારોની તપાસ માટે અને શંકાસ્પદ લોકો વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરવા ગૂગલની મદદ લેતી હોય છે. ગૂગલ કહે છે કે, 'કેટલાક દેશની સરકારી એજન્સીઓ દ્વારા તેને નિયમિત રિક્વેસ્ટ મળતી હોય છે.' ભારત સરકાર પણ આ મામલે પાછળ નથી. ભારતીય એન્ફોર્સમેન્ટ એજન્સીઝે વર્ષ ૨૦૧૧માં ૩,૯૪૬ રિક્વેસ્ટની સરખામણીએ ૨૦ ટકા વધુ રિક્વેસ્ટ મોકલી હતી.

No comments:

Post a Comment