Aug 09, 2013
કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યુટરનો ઉપયોગ અને તેનાં સોફ્ટવેર વિશે તો ઘણાં લોકો જાણતા હોય છે, પણ કમ્પ્યુટરને યોગ્ય રીતે ચલાવવા માટે તેનાં સોફ્ટવેર અને હાર્ડવેર ઉપરાંત અમુક પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે. બાળકો પોતાની મેળે જ્યારે કમ્પ્યુટર ચલાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને કમ્પ્યુટરને લગતા વિવિધ કેબલ્સની તથા તેની ઉપયોગિતાની જાણકારી હોવી જરૂરી છે. ઘણી વાર અયોગ્ય કેબલના ઉપયોગથી કમ્પ્યુટરને નુકસાન થઈ જતું હોય છે. કમ્પ્યુટર સાથે સંકળાયેલા વિવિધ કેબલ કયા છે અને તેની અગત્યતા શું છે તે સમજવાનો આપણે પ્રયાસ કરીએ. અલબત્ત, ટેક્નોલોજી રોજેરોજ બદલાતી હોય છે એટલે કેબલનો પ્રયોગ તેને સમજીને જ કરવો શ્રેષ્ઠ રહેશે.આઈડીઈ કેબલ : આ આઈડીઈ કેબલને સંલગ્ન એટીએ કેબલ પણ કહેવામાં આવે છે. કોઈ પણ સ્ટોરેજ ડિવાઇસ જેવી કે હાર્ડ ડિસ્ક અને સીડી રોમને મધરબોર્ડ સાથે જોડવા માટે તેનો ઉપયોગ થાય છે. આ કેબલ દેખાવમાં પાતળો રિબિન જેવો હોય છે, જેમાં બેથી ત્રણ કનેક્ટર હોય છે. એક કનેક્ટરમાં ૪૦ પિન હોય છે, જે પૈકી એક મધરબોર્ડ સાથે જોડાય છે અને બાકીની જે તે ડિવાઇસ સાથે જોડવામાં આવે છે.
વીજીએ કેબલ : સીપીયુ અને મોનિટરને એકબીજા સાથે જોડવા માટે જે કેબલ વપરાય છે તેને વીજીએ કેબલ કહેવામાં આવે છે. અત્યારના આધુનિક કમ્પ્યુટરમાં હવે આવા વીજીએની જગ્યાએ ડીવીઆઈ કેબલ આવે છે. આ કેબલમાં ત્રણ હારમાં કુલ પંદર પિન હોય છે.
સાટા તથા ઈસાટા કેબલ : આ મહત્ત્વનો કેબલ છે. તેનો ઉપયોગ અગાઉ ડિવાઇસને મધરબોર્ડ સાથે જોડવામાં થતો હતો. આજે લગભગ દરેક કમ્પ્યુટરના મધરબોર્ડમાં સંલગ્ન સાટા એડોપ્ટર હોય છે. સાટા કેબલમાં બે કનેક્ટર હોય છે, જેને બંને છેડે આઠ પિન હોય છે. જે પૈકી એક મધરબોર્ડમાં અને એક ડિવાઇસમાં લાગે છે. ઈસાટા એ સાટા જેવી જ ટેક્નોલોજી છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવ કે ઓપ્ટિકલ ડ્રાઇવને જોડવા માટે તેનો ઉપયોગ થાય છે.
યુએસબી કેબલ : વિવિધ હાર્ડવેરને કમ્પ્યુટર સાથે જોડવા માટે આ કેબલ પ્રખ્યાત છે. આજે હવે માઉસ અને કી-બોર્ડ પણ યુએસબી આવે છે. મોબાઇલ માટે ઉપયોગમાં લેવાતા કેબલને મિનિ અથવા માઇક્રો યુએસબી કહેવામાં આવે છે.
ફાયરવાયર : આ આમ યુએસબી જેવો જ, પણ તેના કરતાં વધારે ઝડપી કામ કરતો કેબલ ગણાય છે. આ કેબલ મલ્ટિમીડિયાના કામ માટે ખાસ વપરાય છે. વીડિયો કેમેરામાંથી કમ્પ્યુટરમાં ડેટા લેવા માટે પણ આ કેબલ જ વપરાય છે.
આરજે ૪૫ : લોકલ એરિયા નેટવર્કમાં કમ્પ્યુટરને જોડવા તથા ઇન્ટરનેટના જોડાણ માટે આ કેબલ વપરાય છે.
No comments:
Post a Comment