Monday, January 7, 2013

હાઇપ વિના ઇન્ટરનેટનો ૩૦મો જન્મદિન ઉજવાયો


લંડન, તા. ૨
  • પહેલી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ ઇન્ટરનેટની શોધ થઈ હતી
  • એનસીપીમાં ખામીઓ હોવાને કારણે ૧૯૭૩માં આઇપીએસ પર કામ શરૂ કરાયું
દરરોજ અબજો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતાં ક્રાંતિકારી માધ્યમ ઇન્ટરનેટને મંગળવારે ૩૦ વર્ષ પૂરાં થયાં. કોઇ પણ હાઇપ વગર માત્ર સામાન્ય રીતે જોકે આટલી મોટી સુવિધાનો જન્મ દિવસ ઉજવાયો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ જૂની નેટર્વિંકગ પ્રણાલીને હટાવીને કમ્પ્યૂટર નેટવર્કને અપનાવવામાં આવ્યું હતું,જેનો આજે અબજો લોકો ઉપયોગ કરી રહ્યાં છે, ૧૯૮૩ની પહેલી તારીખે અમેરિકાના રક્ષાવિભાગ દ્વારા સંચાલિત અર્પામેન્ટ નેટવર્કિંગની જગ્યાએ સંપૂર્ણ રીતે ઇન્ટરનેટ પ્રોટોકોલ સૂટ (આઈપીએસ) પ્રણાલીને અપનાવી લીધી, જેને કારણે વર્લ્ડ વાઇડ વેબનો માર્ગ મોકળો થઈ ગયો. વેલ્સના વૈજ્ઞાનિક ડોનાલ્ડ ડેવિસની ડિઝાઇન પર આધારીત અર્પાનેટ નેટવર્કે ૧૯૬૦ના દશકનાં અંતિમ વર્ષોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય અને સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ જેવી અનેક સંસ્થાઓએ ઇન્ટરનેટને વધુ આધુનિક બનાવવામાં મદદ કરી. ૧૯૭૩માં આઇપીએસ અને ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ પર કામ શરૂ થયું, આને તૈયાર કરવા પાછળનું કારણ જૂની નેટવર્ક કન્ટ્રોલ પ્રોગ્રામ(એનસીપી) પદ્ધતિમાં ખામીઓ હોવાનું માનવામાં આવે છે. બ્રિટનના કમ્પ્યૂટર વૈજ્ઞાનિક ટિમ બર્નર્સ-લીએ ૧૯૮૯માં હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કર્યો, જેને વર્લ્ડવાઇડ વેબ તરીકે ઓળખવામાં આવ્યો.
વર્લ્ડ વાઈડ વેબનો ઉદય થયો
આ સેવા શરૂ થતાની સાથે જ તેને ફ્લેગ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ આર્પનેટ નેટવર્ક છોડીને સમગ્ર રીતે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યૂટ (આઈપીએસ)નો ઉપયોગ કરવા લાગ્યું. આ ડેટા 'પેકેટ સ્વિચિંગ'ની કમ્પ્યૂટરને જોડતી નવી મેથડના કારણે જ વર્લ્ડ વાઈડ વેબનો ઉદય થયો.
એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી મેગેઝીનના ઈલેક્ટ્રોનિક કોરસ્પોન્ડન્ટ ક્રિશ એડવર્ડે ડેઈલિ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે આ સ્વીચ બનાવનાર લોકોને ખરેખર અંદાજ હોય કે તેઓ શું બનાવી રહ્યો છે અને તેનું આવનારા સમયમાં શું મહત્ત્વ રહશે. જો કે તે લોકો ન હોત તો આજે ઈન્ટરનેટ કે વર્લ્ડ વાઈડ વેબનું અસ્તિત્વ જ ન હોત. લોકો જે સરળતાથી એકબીજાને મળી શકે છે તે શક્ય ન બન્યું હોત. આ વિશે તેમણે વધુમાં જણાવ્યું કે ઈન્ટરનેટ એટલે કે આ દુનિયામાં તેની મદદ વગર કોઈપણ વ્યક્તિ સરળતાથી અને સસ્તામાં દુનિયાની કોઈપણ વ્યક્તિ સુધી જઈ શકે છે.
ભારતમાં વધી રહ્યો છે મોબાઈલ ઈન્ટરનેટનો ક્રેઝ
૨૦૧૧ના આંકડા મુજબ વિશ્વની વસતી ૭ બિલિયન હતી જે પૈકી ૩૫ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો બીજી તરફ મોબાઇલ ઇન્ટરનેટના ઉપયોગકર્તાઓની સંખ્યા પણ ભારતમાં વધી રહી છે. ભારતમાં વર્ષ ૨૦૧૨માં ૮૭.૧ મિલિયન લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હોવાનું રિપોર્ટમાં બાહર આવ્યું છે. રિપોર્ટનો અંદાજ છે કે ૨૦૧૪ સુધીમાં આ સંખ્યા વધીને ૧૬૦ મિલિયનને પાર કરી જશે.

No comments:

Post a Comment